RSS

Daily Archives: જૂન 17, 2013

પિતૃ દેવો ભવઃ

father&Child

આજે સવારે મારે મારા ચાર વર્ષના દીકરા સાથે એક સંવાદ થયો…..
.
મેં પૂછ્યું, “બેટા, તું મોટો થઈને શું બનીશ?”
જવાબ મળ્યો, “પપ્પા”.
.
દરેક બાળકને મોટા થઈને પપ્પા જ બનવું હોય છે. મતલબ કે એ પોતાના પપ્પા જેવા બનવા માગે છે અને પપ્પા એમના માટે આદર્શ છે.
.
દુનિયા માતાનાં વખાણ કરતા થાકતી નથી અને શા માટે માતાનાં વખાણ ન થવા જોઈએ? પરંતુ માતાની સાથે સાથે પિતાને પણ ભૂલવા ન જોઈએ.
સ્ત્રીને લેબર રૂમમાં લઇ ગયાનાં સમાચાર સાથે પુરુષની બેચેની શરુ થઇ જાય છે. સંતાનનાં જન્મનાં સમાચાર સાંભળીને કોઈ પણ મિટીંગમાં(ચાહે એ કોઈ પણ મહાન હસ્તી સાથે હોય)  બેઠેલા બાપ કુદકો મારવાનું જ બાકી રાખે છે. હરખનો આવેગ રોકી શકાતો નથી. અને જન્મનાં સ્થળથી દૂર હોય તો શક્ય એટલો જલ્દી ત્યાં પહોંચવા માટે એ બેબાકળો બની મુસાફરી કરી(ક્યારેક તો વાહનો બદલી) એ સંતાનનો ચહેરો જોવા માટે દોડી આવે છે.

માતાનો પ્રેમ એ બાળકના વિકાસ માટે અત્યંત જરૂરી લાગણી છે પણ સાથે જ પિતાનો પ્રેમ પણ (એ માતા કરતા અલગ હોય અને અલગ જ હોવાનો) એટલો જ જરૂરી છે. બાળકને આંગળી પકડી ચાલતા મા શીખવે છે પણ દોડતા, ભાગતા, રમતા, પડતા-આખડતા અને પડીને પછી ઉભા થતા પિતા શીખવે છે.

બાળક જીંદગીમાં પહેલી રમત પિતાનાં ખભે, પીઠ પર, છાતી પર અથવા પેટ પર બેસીને જ રમ્યું હોય છે. અને ત્યાર પછી એ સ્વતંત્ર રીતે રમત રમવા માટે તૈયાર થાય ત્યારે એનો પહેલો સાથી અને પહેલો હરીફ પિતા જ હોય છે.

આખો દિવસ દોડ-ધામ કર્યા પછી અને બોસ, ક્લાયન્ટ કે સહ કર્મચારી સાથે માથા-ફોડ કર્યા પછી જ્યારે પુરુષ ઘેર આવે ત્યારે બાળક દોડીને એને વળગી જાય અને સવારથી સાંજ સુધી વધેલી દાઢી વાળા ગાલ સાથે એનો ગાલ ઘસીને ખીલખીલાટ હસે ત્યારે એનો આખા દિવસનો થાક ઉતરી જતો હોય છે.

હા અમુક વખતે પિતા થોડો કડકાઈ ભર્યો અભિગમ અપનાવે છે. પરંતુ માતાનાં અફાટ સાગર જેવા પ્રેમ સાથે એ પણ થોડું (થોડું જ…થોડું મતલબ શિસ્ત પાલન જેટલું…એ પણ બાળક ૬-૭ વર્ષનું થાય પછી જ) જરૂરી છે. પર્વત પરથી નીકળતા ઝરણાને પર્વતનો ઢાળ વેગ તો આપે છે પણ જો એને શિસ્ત રૂપી બે કાંઠા ન હોય તો એ ઝરણું નદી બનતું નથી અને ત્યાં જ વિખાઈ જાય છે. એ બે કાંઠા એને દિશા આપે છે. બાળકના વિકાસમાં પિતાનાં શિસ્ત પાલન માટેના કઠોર અભિગમનો ફાળો પણ એવો જ છે.

પિતા એ બાળક માટે દરરોજ સાંજે સરપ્રાઈઝ પેકેજ જેવું રમકડું છે. આખો દિવસ પિતાને બાળકે જોયા ન હોય ત્યારે બાળક સાંજે પિતાને જુએ ત્યારે એ એને જ વળગી રહેતું હોય છે. અને જો એવું ન થાય તો એ પિતાએ વિચારવું જ જોઈએ.

સંતો, સાહિત્યકારો કે અન્ય કોઈ જગ્યાએ પિતાની અવગણના થવા પાછળ એક કારણ એવું હોઈ શકે છે કે,માતા કોઈ પણ પ્રસંગે લાગણીનો ધોધ વહાવી શકતી હોય છે. હસી શકતી હોય છે. રડી શકતી હોય છે. પિતા માટે આ થોડી અઘરી બાબત છે. એક તો એ આર્થિક અને સામાજિક વ્યવહારોમાં રહેતો હોય છે જેમાં લાગણી કરતા વ્યવહારીપણું વધુ હોય છે. બીજું એ લાગણી અનુભવવા છતાં અમુક વખતે વ્યક્ત નથી કરી શકતો એ માટે ક્રોમોઝોમ્સની ૨૩મી જોડના y ક્રોમોઝોમનો ફાળો વધુ હોય છે. માટે જો બાપ ક્યારેક રડી ન શકે તો એ એની ખામી કરતા મજબૂરી ગણવી. એ પણ લાગણી અનુભવતો જ હોય છે વ્યક્ત નથી કરી શકતો હોતો.

મોસમના પહેલા વરસાદમાં સાથે ન્હાવા માટે લઇ જતા પિતા, ઉનાળો શરુ થતા જ બાળકને મનપસંદ કલરની અને પ્રિય કાર્ટૂન પાત્રની ઈમેજ વાળી ટોપી લઇ આવતા, શિયાળામાં બાળકને શોભે અને સાથે રક્ષણ પૂરું પાડે એવા ગરમ કપડા લઇ આવતા પિતા, ચોમાસામાં બાળક પૂરું ઢંકાઈ જાય એવા રેઈનકોટ લઇ આવતા પિતા ભલે કોઈના ધ્યાનમાં હોય કે ન હોય એ બાળકના ધ્યાનમાં તો હોય જ છે માટે જ જો દીકરી હોય તો કહેશે હું પપ્પાની દીકી અને દીકરો હશે તો કહેશે “હું મોટો થઈને પપ્પા બનીશ”.

માતા જો ઘરની દીવાલો છે તો પિતા ઘરનો મોભ (બીમ)છે છત (સ્લેબ) છે.

બાળક પિતા પાસેથી ઘણું શીખે છે. રમતા, સંઘર્ષ કરતા, જરૂરીયાત અને હક માટે લડતા, આર્થિક વ્યવહારો કરતા, ભૂલો કરતા, ભૂલો સુધારતા, વગેરે વગેરે… યાદી અવિરત શરુ જ રહે છે.

ક્યારેક સાંજે સંતાન માટે સંતાન સાથે નાચતા અને ગાતા પિતા જોયા હોય તો ખબર પડે. એ એનો પ્રેમ એની રીતે જ વ્યક્ત કરે છે. નાચતા ગાતા ન આવડતું હોય તો પણ ધર્મેન્દ્ર સ્ટાઈલમાં નાચતા હોય છે. થાળીની ડફલી બનાવીને સાથે વગાડતા વગાડતા નાચતા હોય છે. અને કદાચ એનાં માટે પણ એનાં બાળકના ચહેરા પરનું હાસ્ય એ દિવસની સૌથી સારી ક્ષણ હશે અને એ માટે જ એ આવું કરતા હશે.

જ્યારે સંતાન તરુણ બને ત્યારે જો દીકરી હોય તો એને છૂટ છાટ પણ પિતા તરફથી જ મળતી હોય છે અને એની ચિંતા પણ પિતા જ વધુ કરતા હોય છે. અને દીકરો તરુણ બને ત્યારે ક્યારેક મિત્રોના ઘેર વાંચવા જવાનું કહી ફિલ્મ જોવા માટે ગયેલા દીકરાને સવારે પિતા પૂછે છે કે, કેવી લાગી ફિલ્મ? એમને એ ખબર હોય છે કારણકે એમણે પણ એવું જ કર્યું હોય છે. અને માટે જ દીકરો હદથી વધુ બહાર ન ગયો હોય તો મીઠા ઠપકા થી વિશેષ ખીજાતા નથી. પરંતુ ધ્યાન તો રાખતા જ હોય છે.

પિતા પોતાના સંતાનને આખી દુનિયા તો નથી આપી શકતા પણ પોતાના હાથમાં સમાય એટલું બધું આપવાની કોશિશ કરતા હોય છે.
અંતે
.
બાપ એ બાપ બીજા બધા ઉનાળાના તાપ…..
.
.
હું મારા પિતાને ખુબ પ્રેમ કરું છું.
.
અંતે જે હું મારી માતા માટે કહું છું એ જ પિતા માટે પણ
મારા પિતા દુનિયાના સૌથી સારા પિતા છે. દુનિયાના બીજા બધા પિતાઓની જેમ જ.
.
સૌ મિત્રોને હેપ્પી ફાધર્સ ડે
.
.
.
અને અંતે માણો પિતા અને સંતાન વચ્ચેની લાગણી દર્શાવતું મારું પ્રિય ગીત
.
http://www.youtube.com/watch?v=Tf5rQ8t5ngU